સ્વપ્નમાં સત્ય
જન્માષ્ટમીની રજા હતી. ધરાઈને ફરાળ કરીને, શ્રીકૃષ્ણને પગે લાગીને સૂવા ગયો. ઊંઘ આવતાં વાર ના લાગી. પણ કોઈએ મને જગાડ્યો. જોયું તો શ્રીકૃષ્ણ હતા. મેં પ્રણામ કર્યા, કહ્યું, "જન્મદિન અભિનંદન."
ખડખડાટ હસીને કહે, "મેં તો એટલા બધા જન્મ લીધા છે કે વર્ષના દિવસ ઓછા પડે."
હું - શા માટે?
શ્રી. - સજ્જનોના (બાવા*ઓના નહીં) રક્ષણ અને દુર્જનોના વિનાશ માટે.
હું - તો પ્રભુ આ બધો ઉત્સવ શાને?
શ્રી. - પૂજારીઓના લાભાર્થે અને અણસમજુ લોકોના મનોરંજન માટે.
હું - શી આજ્ઞા છે, સ્વામી?
શ્રી. - મારે બદલે તારે સૂવાનું છે.
હું - સૂતેલો જ હતો ને!
શ્રી. - પણ મારા વેશમાં નહીં ને? હવે મારા વેશમાં સૂવાનું છે, અહીં મારા શયનકક્ષમાં. એક્ટરોના ડબલ હોય છે તેવા ડબલ બનવાનું.
હું - પરંતુ મને તો પીતામ્બર પહેરતા નથી આવડતું. મારે કરવાનું શું?
શ્રી. - તારે કશો વેશ બદલવાનો નથી. રુકિમણી સિવાય બીજા બધાને તું મારા જેવો દેખાશે. તને જગાડશે. તેમની સાથે વાત કરવાની, તને સૂઝે તેવી.
શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. અર્જુન આવ્યો, મને જગાડ્યો. હું જય શ્રીકૃષ્ણ કહેવા જતો હતો પણ યાદ આવ્યું કે હું જ શ્રીકૃષ્ણ હતો.
અર્જુન - પ્રણામ.
હું - આશીર્વાદ. કેમ આવવું થયું?
અ. - યુદ્ધ કરવું પડશે ને તેમાં આપની સહાય જોઈએ છે. તમારી સેના આપવા વિનંતી કરું છું.
હું - તારો મોટો ભાઈ કેમ ના આવ્યો? મોટો ધર્મરાજ કહેવાય છે તે?
અ. - તે ધર્મરાજ નથી?
હું - ના રે. તમે બધા એવા કેવા ક્ષત્રિય** કે રાત રહેવા આવેલા અતિથિઓને બળવા દઈને નાસી છૂટ્યા?
અ. - પણ તે તો આપત્તિ હતી.
હું - સાથે તો લઈ જવાત ને? ત્યાર પછી શું કર્યું? બ્રાહ્મણનો ધર્મ અધ્યયન અને અધ્યાપન. તે પાળ્યા વિના, વૈશ્ય કે શુદ્ર ને બદલે, બ્રાહ્મણ વેષે વર્ષો સુધી અસત્ય બોલીને લોકોને છેતર્યા. ભિક્ષાન્ન ખાધું.
અર્જુને માથું ખંજવાળવા માંડ્યું.
હું - પછી રાજ્યભવનમાં 'જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ' વાળી માયા રચવા દીધી તે પણ અસત્ય જ હતું.
અ. - એવું ધ્યાનમાં નહોતું આવ્યું.
હું - આવવું જોઈતું હતું. પછી મને પૂછ્યા વગર દ્યૂત રમવા ગયા. બધું હારી આવ્યા.
અ. - એ તો શકુનિએ ધોખો કરેલો.
હું - યુધિષ્ઠિરે તો બુદ્ધિ ચલાવવી જોઈતી હતી. છેલ્લે વિરાટ રાજાના નગરમાં જુઠઠા નામ આપીને એક વર્ષ રહ્યા. અજ્ઞાત રહેતા પણ ના આવડ્યું.
અ. - એ ખરું. હવે શું?
હું - તમે પાંચ જણા સો કૌરવો સામે લડીને જીતી શકો?
અ. - હા, અવશ્ય.
હું - તો મહાયુદ્ધ શીદ કરવું? એકસો પાંચ ભાઈઓ અંદર અંદર લડી લો. બીજા કોઈને મારવા મરાવવાની જરૂર નથી.
અ. - સારું. મોટાભાઈને કહીશ.
અર્જુન ગયો. પાછળ પાછળ દુર્યોધન આવ્યો.
હું - આવ, તને જ યાદ કરતો હતો.
દુર્યોધન - કેમ છો? મને કેમ યાદ કર્યો? હું તો તમારી સહાય માંગવા આવ્યો છું.
હું - કયા મોંઢે? હું વિષ્ટિ કરાવવા આવેલો ત્યારે તો તેં મારું અપમાન કરેલું. પાંચ ગામ તો શું સોયની અણી જેટલી પણ જમીન નહોતી આપવી. હવે પાંચ ગામ આપશે?
દુ. - તે તો કેમ અપાય? પણ તમારી સેના અમારા પક્ષે લડવા આપો.
હું. - મૂર્ખ છું કે તમારી દુષ્ટતા માટે મારા સૈનિકોના પ્રાણ સંકટમાં મુકું?
દુ. - આપણો સંબંધ છે તેથી.
હું - મારો સંબંધ તો પાંડવો સાથે છે, કુંતી મારા ફોઈ છે. તારા પક્ષે મારું સગું કોઈ નથી.
દુ. - મારે પિતામહને પૂછવૂં પડશે.
હું - એવી કશી જરૂર નથી. તમે એકસો પાંચ જણા અંદર અંદર લડી લો. બીજા કોઈને બોલાવશો નહીં .
દુર્યોધન પણ ગયો. મહાયુદ્ધ ટળી ગયું.
"વેલ ડન, ગુડ જોબ માય બોય." કૃષ્ણજીનો અવાજ સંભળાયો.
"પ્રભુ, તમે આંગ્લભાષા બોલો છો?"
"કેમ નહીં? જગદ્ગુરુ કાંઈ એમને એમ બનાય છે? ઉપદેશ અને આદેશ બધી ભાષામાં આપવા પડે. બધી ભાષાઓ મને આવડે. ચાલ સૂઈ જા, તારા અસલી સ્વરૂપમાં, તારા ઘરમાં. હવે તો યાદવાસ્થળીમાંથી બચી જનારા કોઈ યાદવનો વંશજ તને જગાડશે.
મારે તો પૂછવું હતું કે આ સપનું તેમણે વ્યાસજીને બતાવેલું કે નહીં. પણ તેવી તક ના મળી. કદાચ હું જ પૂર્વ જન્મમાં વ્યાસ તો નહોતો ને? ના ભાઈ ના, પેલા દુષ્કર્મી*** પરાશરના પુત્ર મારે નથી બનવું.
# ખુલાસો:
હું વાસુદેવ શ્રીકૃષ્ણનો ભક્ત નથી, પ્રસંશક છું. 99.9951 ને પુરા 100.00 ગણીએ તેવી રીતે શ્રીકૃષ્ણને હું 'લગભગ પરમેશ્વર' (Almost God human મહામાનવ), પણ પૂર્ણ પુરુષોત્તમ નહીં, માનું છું. તેમની થોડી નાની નાની ભૂલો મને ગમતી નથી પણ અવગણું છું.
વિષ્ણુ નથી તેથી પૌરાણિક અવતારોને કાલ્પનિક જ માનવા પડે. શ્રીકૃષ્ણને પણ વિષ્ણુના અવતાર નથી માનતો.
દ્વૈપાયન કૃષ્ણ કહેવાતા વ્યાસ મુનિએ ગંભીર ભૂલભરી ઘણી વાતો લખી છે તે માનવા જેવી નથી.
_____________________________
* સાધુ એટલે સન્યાસી નહીં પણ સજ્જન. જુઓ:
उपकारिषु य: साधु साधुत्वे तस्य को गुण: |
अपकारिषु य: साधु स: साधु सद्भिरुच्यते ||
ઉપકાર કર્યો હોય તેની સાથે સારું વર્તન કરે તેમાં શું? અપકાર કરનાર સાથે સારું વર્તન કરનાર સાચો સજ્જન ગણાય.
** क्षतात्किल त्रायत इत्युदग्रः क्षत्रस्य शब्दो भुवनेषु रूढः ।
राज्येन किं तद्विपरीतवृत्तेः प्राणैरुपक्रोशमलीमसैर्वा । । रघुवन्शं २.५३ । ।
ભય અને વિનાશમાંથી ઉગારે તે એ અર્થમાં 'ક્ષત્રિય' શબ્દ બધા ભુવનોમાં (લોકોમાં) પ્રચલિત થયો છે. તેનાથી વિપરીત વર્તન કરવાથી કલંકિત થઈને બચાવેલા પ્રાણ કે મેળવેલા રાજ્ય શું કામના?
(क्षत gfr a. Wounded, hurt, injured, 1 Scratching. 2 A wound, hurt, injury; 3 Danger, destruction, peril - Sanskrit Dictionary by V. S. Apte, page 182)
*** પરાશર ઋષિએ મત્સ્યગંધા પર બળાત્કાર કરેલો. તેને જે બાળક જન્મ્યું તે વ્યાસ મુનિ હતા.