રામાયણ - માનવતાનું મહાકાવ્ય?
મારા એક મિત્રએ મને શ્રી ગુણવંત શાહ (ગુ.શા.) લિખીત " પુસ્તક વાંચવા આપ્યું છે. તે વાંચવાથી આ લખવાનું જરૂરી જણાય છે. નીચેના લખાણમાં તે પુસ્તકના પૃષ્ઠના ક્રમાંક કૌંસમાં જણાવ્યા છે.
શરૂઆતમાં થોડા ખુલાસા કરી લઉં.
આપણે વાંચીએ છીએ ઘણું અને લેખકની પ્રતિષ્ઠાને કારણે વાંચેલું બધું સ્વીકારી પણ લઈએ છીએ. આપણે ઘણું સાંભળીએ પણ છીએ અને બોલનારની વકતૃત્વ શક્તિથી અંજાઈ જઈને સાચું માની પણ લઈએ છીએ. મહત્વ વાંચવા અને સાંભળવા સાથે વિચારવાનું પણ છે કે આમાંથી કેટલું સ્વીકારવા જેવું, કેટલું નકારવા જેવું અને કેટલું, આ પુસ્તક જેવું, વ્યર્થ વાણીવિલાસ તરીકે અવગણવા જેવું છે. આમ વિચારવામાં નડતા અંતરાયો છે :
૧ આપણને પરંપરાગત મળેલી શ્રદ્ધા, જે ખરેખર તો અંધશ્રદ્ધા પણ હોઈ શકે, જે હિરણ્યમય પાત્રની જેમ આકર્ષક અને મૂલ્યવાન દેખાય પણ સત્યને ઢાંકી દે છે,
૨ આપણી ઈશ્વરદત્ત વિવેકબુદ્ધિ વિષેની આપણી હીનતાગ્રંથિ,
૩ સામાજિક પરંપરાનો પ્રતિકાર ન કરવાનું ડહાપણ.
શ્રધ્ધા અને ભક્તિભાવના રૂપાળા અંચળા હેઠળ આપણે ઘણાં અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.
અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ ટૂંકાવવો ના જોઈએ પણ મહાત્માને માપવા માટે તેને લંબાવવો તો જોઈએ જ. નહીં તો તે પૂજનીય મહાત્મા શાના?
લોકનાયકે તો લોકોને દોરવાના હોય તેમનાથી રામની જેમ દોરવાઈ જવાનું ના હોય.
ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ (આધ્યાત્મિક જણાતા પણ ખરેખર તો પોલેપોલા) શબ્દોમાં સત્યને છુપાવવાનું ખૂબ જ સહેલું થઈ જાય છે. ગુ.શા.એ પણ બહુ ચતુરાઈપૂર્વક વિષયાંતર કરી કરીને મુખ્ય મુદ્દાને વિસરાવી દીધો છે. આદિકવિના પ્રમાણભૂત (authentic) આદિકાવ્ય પર કેન્દ્રિત (focused) રહેવાને બદલે બીજા કવિઓનાં લઘુકાવ્યો વિષે લખી લખીને વાંચકોને ભરમાવી દીધા છે.
આ પુસ્તકના નામમાં જે 'માનવતા' શબ્દ છે તેનો અર્થ 'માણસાઈ' નથી, 'માનવજાત' છે કારણ કે તેમાં અમાનુષી કૃત્ય કરનાર રામની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે.
શ્રી ગુ.શા. પુસ્તકના પ્રારંભમાં જણાવે છે કે રામાયણ ઇતિહાસ નથી પણ "હૃદયકેન્દ્રી રસનિષ્પત્તિનું કલ્પનોત્થ સર્જન" (પૃ.૧૯) કાવ્ય છે. (છતાં બધા જ પ્રસંગોનાં નિરૂપણ એવી રીતે કર્યાં છે કે જાણે કે તે બધા ઐતિહાસિક હોય.) કાલ્પનિક રચનામાં તેના કવિ કે લેખકની વિચારસરણીનો પડઘો પડ્યા વિના રહેતો નથી. કલ્પના જ કરવાની હતી તો વાલ્મીકિએ વધારે સારી કલ્પના કેમ ના કરી? વાત વિજ્ઞાન કે તર્કની નથી, માણસાઈના સિદ્ધાંતની છે અને રામને પૂજનીય તરીકે પ્રસ્તુત કરનાર કવિની તેમજ તે પ્રસ્તુતિનો સ્વીકાર કરનાર સમાજની માનસિકતાની છે. સત્ય, ન્યાય અને માનવીય (humanitarian) વર્તાવની દૃષ્ટિએ પુરાતન સમાજ તો ઘણો ઊણો ઉતર્યો હતો. સાથે સાથે ગુ.શા. જેવા અદ્યતન 'વિચારકો'(?), કથાકારો, ધર્મપ્રચારકો અને ધર્મગુરુઓ પણ, રામનાં દુષ્કૃત્યો પ્રત્યે દુર્લક્ષ કરીને જ નહિ પણ તેમનાં વખાણ કરીને રામ પ્રત્યેની 'આસ્થા'ને દૃઢીભૂત કર્યે જાય છે. આપણે પણ વગર વિચાર્યે ગાડરિયા પ્રવાહમાં તણાયે જઈશું?
રામજીએ કરેલા સીતાજીના ત્યાગને ગુ.શા.એ વ્યાજબી ગણાવ્યો છે.
સત્યમેવ જયતે? ના, સીતાજીનું સત્ય હાર્યું, રામનું મિથ્યાભિમાન જીત્યું. પોતાનું અભિમાન મારવાનું અશક્ય નહિ તો અઘરું તો હોય જ છે, તે રામ ના કરી શક્યા. બીજાનું અભિમાન મારવાનું સહેલું છે. સીતાજીએ રાવણનું અભિમાન મારેલું જ હતું તેની સાથે લગ્ન કરવાની ના પાડીને. તેથી જ તો રાવણનું શરીર રામ મારી શક્યા અને તે પણ બીજા ઘણાની સહાય અને સલાહ લઈને. છેલ્લે છેલ્લે ઇન્દ્રના સારથિ માતલિનું સૂચન ના મળ્યું હોત તો રાવણને મારી શકાયો ના હોત.
રામ જાણતા અને માનતા પણ હતા કે સીતાજી શુદ્ધ હતાં (પૃ. ૫૬૦) છતાં કેવળ પોતાની એકલાની અપકીર્તિ ના થાય તેટલા માટે જ સીતાજીનો ત્યાગ કર્યો, પ્રજાના કલ્યાણ માટે નહિ. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ ના આપી. જુઠું બોલીને લક્ષ્મણ સાથે વનમાં મોકલી આપ્યા. સજા તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ થતી હતી તે વિચાર પણ ના કર્યો. પાછળથી સીતાજીનું અને તેમના ગર્ભનું શું થયું તે જાણવાની દરકાર ના લીધી. સપ્તપદીમાં સીતાજીનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું કે નહીં? તો ખોટા આક્ષેપ વિરુદ્ધ તેમનું રક્ષણ ન કરીને તેમણે વચનભંગ નહોતો કર્યો? રક્ષણ શું પત્નીના ભૌતિક શરીરનું જ કરવાનું, તેના સન્માનનું નહીં? જે પત્નીને દસમા શ્લોકમાં 'યશસ્વિની' કહેલી તેને પંદરમા શ્લોકમાં 'કલંકિની' બનાવી તેને કાઢી મુકવાનું નક્કી કર્યું. રામ વડે ત્યાગ કરાએલાં સીતાજી વિશે અશ્વમેધ યજ્ઞ સુધી અયોધ્યાની પ્રજાએ કલંકિની માનીને ખરાબ અભિપ્રાય રાખ્યો જ હશે ને? બાર વરસ પછી જાણે કે તેઓ પવિત્ર હતા તેથી શું? અહલ્યા ક્ષમ્ય પણ સીતા અક્ષમ્ય એવું શા માટે?
રામે તો ભૂલ કરી, પણ તે સુધારવાની જવાબદારી વસિષ્ઠ, વાલ્મીકિ અને જનકરાજાની હતી. કોઈએ નાનો સરખો પ્રયાસ પણ નહોતો કર્યો. અગ્નિદેવનું અપમાન થયું હોવા છતાં દેવોએ પણ કશું જ ના કર્યું. રાજ્યસત્તા આગળ ધર્મસત્તા નમી પડી. કારણ? તે સમયના આપણા પૂર્વજોના મૂલ્યો એટલા અધમ હતા કે સત્યનું સમર્થન કરવા કોઈની ઈચ્છા જ નહોતી. સ્ત્રીઓ અને શુદ્રોને અન્યાય થાય તો તે અજુગતું નહોતું ગણાતું.
બાર વરસ પછી વાલ્મીકિએ કહ્યું કે, ".....મેં દિવ્યદૃષ્ટિથી એ જાણી લીધું હતું કે સીતાની ભાવના શુદ્ધ છે ...." (પૃ.૬૭૦). દંભની પરાકાષ્ઠા તો જુઓ. તે ઋષિએ તે જ દિવસે સીતાજીને અયોધ્યા લઇ જવા જોઈતા હતા અને રામને તેમ જ પ્રજાને સમજાવીને તેમનો ત્યાગ રદ કરાવવો જોઈતો હતો. બાર વરસ સુધી મૌન રહેવાનું કશું જ કારણ નહોતું. તે બાર વરસ દરમ્યાન અયોધ્યાની કેટલી સ્ત્રીઓને અન્યાય અને અપમાન સહન કરવા પડ્યા હશે તે તો રામજી જાણવા પણ નહીં ઇચ્છતા હશે!
આ પુસ્તકના ૬૭૨ મા પાના પર સીતાજીના ભૂમિપ્રવેશનું વર્ણન છે. વાલ્મીકિએ સીતાજીની શુદ્ધતા પ્રમાણિત કરી હોવા છતાં રામે કહ્યું, '... પરંતુ જનસમુદાયની વચાળે સીતાની પરિશુદ્ધતા પ્રમાણિત થાય તો મને અધિક પ્રસન્નતા થશે.' ત્યાર બાદ સીતાજીએ ત્રણ વાર કહ્યું, ' ....ભગવતી પૃથ્વીદેવી મને પોતાની ગોદમાં સમાવી લે.'
અયોધ્યાની શંકાશીલ પ્રજા અને તેના નબળા મનના (અગ્નિદેવ તેમ જ વાલ્મીકિના પ્રમાણને અવગણીને ત્રીજું પ્રમાણ માંગતા) રાજા સ્વમાની સીતા માટે સાવ જ અપાત્ર હતા. તેથી સીતાજી, કટોકટી દરમ્યાન વિપક્ષી નેતાઓની જેમ, ભૂગર્ભમાં જતા રહ્યા. અર્થાત સામાન્ય નારી જેવું જીવન વીતાવ્યું. રામ સાથે રાજ્યાસન પર ના બેઠા. આમ કરીને સીતાજીએ રાજા અને પ્રજા બંનેનો ત્યાગ કર્યો.
પૂજાનો અધિકારી ખરેખર તો ભરત છે જેણે અનાયાસે આવી મળતું રાજ્ય ના લીધું તે ના જ લીધું. રામે તો પોતાની પાદુકા આપીને નિશ્ચિત્ત કરી લીધું હતું કે વનવાસ પછી તો રાજ્ય તેમને મળશે જ.
વધુ માટે જુઓ સત્યધર્મી રામ? અને આપણું કલંક.