શ્રીકૃષ્ણનું સામર્થ્ય!
શ્રીકૃષ્ણ અત્યંત મહાન લોકહિતેચ્છુ રાજપુરુષ હતા પરંતુ પરમેશ્વર ન્હોતા. તેઓ પરમેશ્વરની એટલે પાસે હતા કે તેમને ઈશ્વર માની શકાય પણ તેઓ તેમના ભક્તોના બધા દુઃખો દૂર કરી જ નાંખે તેવી આશા ના રાખવી જોઈએ.
ગણિતમાં આવે છે કે "Function of x tends to n". બીજગણિતની કોઈ અભિવ્યક્તિ (function) કોઈ નિશ્ચિત્ત સંખ્યા n બરાબર ના થઇ શકે પણ તેની ઘણી નજીક પહોંચી શકે. તેવી રીતે કોઇ દેહધારી વ્યક્તિ પરમેશ્વરની ખૂબ નજીક પહોંચી શકે પરંતુ પરમેશ્વર ના બની શકે. શ્રીક્રુષ્ણ સુધ્ધાં "લગભગ (almost) પરમેશ્વર" ખરા પણ સંપૂર્ણ (perfect, exact, complete) પરમેશ્વર ના ગણી શકાય. (એ જ પ્રમાણે જોઈએ તો ફલાણાસ્વામી કે ઢીંકણાનંદ મહારાજોને 'સાક્ષાત્પરબ્રહ્મ' કે 'પ્રગટબ્રહ્મસ્વરૂપ' કહેવા કેટલે અંશે યોગ્ય ગણાય? તેમને 'અર્ધેશ્વર' અથવા બહુ બહુ તો 'પોણેશ્વર' કહી શકાય.)
કહે છે કે શ્રીકૃષ્ણ “કર્તુમ્ અકર્તુમ્ ચ અન્યથા કર્તુમ્ સમર્થ” છે. આ એક ભ્રામક કથન છે. જોઈએ તો ખરા કે તેઓ કેટલા અસમર્થ હતા.
સૂર્યે નવકિશોરી કુંતીને ગર્ભવતી બનાવી તે અટકાવી ના શક્યા. અર્જુન જયદ્રથને મારી શકે તે માટે સૂર્યને ડૂબતો અટકાવી શકેલા.
લાક્ષાગારની આગમાંથી બચીને નાસી છૂટેલા પાંડવોને આશ્રય ના આપી શક્યા. પરિણામે સત્યવાદી યુધિષ્ઠિરે બાર વર્ષો સુધી બ્રાહ્મણ વેશે લોકોને છેતરીને ભિક્ષા માંગવી પડી હતી. (છતાં યુધિષ્ઠિર 'સત્યવાદી' કહેવાય છે!)
કર્ણ સૂર્યનો પુત્ર છે તે જાણી ના શક્યા. પોતે સારથી બનવાના હતા તો પણ બીજા સારથીએ ઉછેરેલા કર્ણના ગુણ અને કર્મ ક્ષત્રિયો જેવા હોવા છતાં તેને શુદ્ર હોય તેવો ત્રાસ આપ્યો, વારંવાર તેને અન્યાય, અપમાન અને છળનો ભોગ બનાવ્યો.
દુર્યોધન પાસેથી પાંડવોને પાંચ ગામ પણ અપાવી ના શક્યા તેથી લાખો ક્ષત્રિયો માર્યા ગયા. ખરેખર જોઈએ તો મહાભારત યુદ્ધનું મૂલ્ય ફક્ત પાંચ ગામો જેટલું જ હતું.
ગીતામાં અર્જુનને આપેલું વચન (૧૮:૬૬) પાળી ના શક્યા કારણ કે કોઈને તેના પાપમાંથી મુક્ત કરવાનો અધિકાર તેમને ન્હોતો. આપત્તિ જેવી પરિસ્થિતિને કારણે તે વચન આપવું જરૂરી લાગ્યું હશે.
જે અર્જુન અગાઉ સદેહે સ્વર્ગે જઈ આવ્યો હતો તેને ફરીથી સ્વર્ગમાં પ્રવેશ ના મળ્યો, કૂતરાને મળ્યો.
ઉત્તરાના ગર્ભ પર અશ્વત્થામાએ તાકેલા બ્રહ્માસ્ત્રને મિથ્યા બનાવેલું પણ ગાંધારીએ તેમના કૂળને આપેલા શાપને મિથ્યા ના બનાવી શક્યા.
પોતાના સંતાનોને યોગ્ય વર્તણુંક ના શીખવી શક્યા તેથી તેઓ અંદર અંદર લડી મર્યા. આમને 'જગદ્ગુરુ' કહી શકાય?
આનુષંગિક વિસ્મય:
ગીતાના પહેલા અધ્યાયના ૧૨ મા શ્લોકમાં ગંગાપુત્રે શંખ ફૂંકીને યુદ્ધનો આરંભ કર્યો. ૧૫ મા શ્લોકમાં શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો (સારથી શંખ વગાડે?) અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યા હતા. ૧૬ ૧૭ ૧૮ મા શ્લોકો અનુસાર પાંડવ પક્ષના બીજા દસ મહારથીઓએ શંખો વગાડ્યા હતા. અર્થાત બંને પક્ષે યુદ્ધ પુરજોશમાં શરુ કર્યું હતું. પછી અર્જુને તેનો રથ બે સેનાઓની વચ્ચે ઊભો રખાવ્યો.
ગીતાના કુલ ૭૦૦ શ્લોકો પૈકી ૩૮ શ્લોકો બાદ કરતાં બાકીના ૬૬૨ શ્લોકો કૃષ્ણાર્જુન સંવાદના છે. એક મિનિટમાં દસ શ્લોકોના દરે પણ એકાદ કલાક તો નીકળી જાય. ત્યાં સુધી ૧૯ લાખ*(અથવા ૩૯ લાખ**) સૈનિકો પોતપોતાના હથિયારો ઉગામી મોઢું વકાસીને સ્થિર ઉભા રહ્યા હશે?
ત્રીજા અધ્યાયના અંતમાં અર્જુને કશો પ્રશ્ન પૂછ્યો ન્હોતો. ચોથા અધ્યાયનો આરંભ એવા ઉત્તરથી થાય છે કે જેનો પ્રશ્ન પુછાયો જ નહોતો. છતાં શ્રીકૃષ્ણે "ઉત્તમ રહસ્ય એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય"નું જ્ઞાન કહી સંભળાવ્યું, જાણે બીજા કોઈએ સાંભળ્યું જ ના હોય. સંજય તો સાંભળી ગયા અને ધૃતરાષ્ટ્રને પણ કહી દીધું. ના તો અર્જુનનો કે ના તો ધૃતરાષ્ટ્રનો મોહ નષ્ટ થયો. અભિમન્યુના મરણનો શોક અર્જુનને અને દુર્યોધનના મરણનો શોક ધૃતરાષ્ટ્રને થયા વગર ના રહ્યો.
કદાચ એવું બન્યું હશે કે ચોથાથી સત્તરમા સુધીના અધ્યાયો પાછળથી ઉમેરવામાં આવ્યા હશે? તે ૧૪ અધ્યાયોના ૪૬૦ શ્લોકો બાદ કરીએ તો ૨૦૨ શ્લોકો રહે તેને પણ વીસ મિનિટ તો લાગે.
તેમ છતાં શ્રીકૃષ્ણને પરમેશ્વર માની શકાય. પૈસાની લેવડદેવડમાં અડધા અને તેના કરતાં વધારેની રકમને આખો પૈસો ગણીએ છીએ. 99.995 રૂપિયા કે ડોલર આપવાના કે લેવાના હોય તો પુરા 100.00 ગણીએ છીએ તેવી રીતે શ્રીકૃષ્ણના સામર્થ્યમાં જે ઘટ પડે છે તે અડધા ટકાથી ઓછી હોવાથી જતી કરવી જોઈએ. પરંતુ આપણા પાપ માફ કરાવવા માટે તેમની ભક્તિ કરવાની ના હોય. પાપ કરવાના જ નહીં.
____________________________________
* ૧,૦૯ ૩૫૦ X ૧૮ = ૧૯,૬૮,૩૦૦
**આ યુદ્ધમાં અલગ-અલગ રાજ્યોની સેના જોડાયેલા હતા તેમાં ઓછામાં ઓછી સેના 39,06,600 સૈનિકોની હતી. અને વધારામાં વધારે સેના 3,18,16,374 સૈનિકો હતા. https://www.facebook.com/mp700/photos/a.426726567396287/426726830729594/?type=1&theater