તુળસી કરમાઈ, ચંદનવનમાં
તુળસી કરમાઈ,ચંદનવનમાં
ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે, "सुवर्णमयेन पात्रेण सत्यस्यापिहितं मुखं |" (સોનેરી વાસણ વડે સત્ય ઢંકાયું છે). સત્ય જોઈ શકવું સહેલું છે, ઢાંકણ હઠાવીએ કે તરત દેખાય! કેટલાક લોકો સત્ય જાણ્યા પછી પણ તેને સ્વીકારી શકતા નથી. તેઓ માટે આ લખાણ વાંચવા યોગ્ય નથી.
અહીં સત્ય કે પાત્રની વાત નથી કરવી, અસત્યની કરવી છે. કારણ કે કેટલીક વાર જુઠાણાને પકડવું અઘરું થઇ પડે છે. તે અનેક નાના નાના સત્યોમાં ભેળવી દેવાયું હોય છે. ઘાસની ગંજીમાં સોય હોય તો તે શોધી શકાય કારણ કે તેનું સ્વરૂપ ઘાસ કરતાં જુદું હોય છે. પરંતુ અડાબીડ વનમાં નાનો છોડ હોય તો તે જલ્દી દેખાતો નથી.
આવું એક મહાવન છે વાલ્મીકિ રામાયણ*. તે સારું કાવ્ય છે, જાણે સુખડની સુગંધથી મહેંકતું ભરપૂર એક ચંદનવન. પણ તેમાં એક તુળસી છોડ કરમાઈ ગયો કારણ કે વનાધિકારી (રામ) તેને બરાબર પારખી ના શક્યા. પવિત્ર તુળસી(સીતા)ને નીંદામણ (weed) સમજી ઉખાડીને ફેંકી દીધી! આ 'મહાકાવ્ય' સાહિત્યની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ મનાય છે. તે હશે પણ ખરું. પરંતુ તેનાથી અંજાઈ ગયા વિના તેમાં દટાયેલા જુઠાણાને ઉઘાડું પાડવું જરૂરી છે. કહેવાય અને મનાય છે કે રામે સીતાનો ત્યાગ લોકકલ્યાણ માટે કર્યો હતો. આ મોટું જુઠાણું છે. ના, રામે સીતાનો ત્યાગ પોતાની એકલાની શંકાશીલતાને લીધે કર્યો હતો. તેનાથી પ્રજાનું કે રાજકુટુંબનુ કશું જ હિત થવાનું નહોતું કે થયું નહોતું. લોકનિંદાનું તો બહાનું જ હતું.
આ રચનામાં ૨૪,000* શ્લોક છે. વારંવાર શ્લાઘાત્મક (ખુશામતી) વિશેષણો, અનાવશ્યક વિસ્તૃત વર્ણનોની વણઝાર, સંવાદોની સાંકળો, અપ્રસ્તુત વિષયાંતરોની ભૂલભૂલામણી ભરમાર, આખ્યાનો અને આખ્યાયિકાઓ, અનેક ફ્લેશબેકો ઇત્યાદિ ઘુસાડીને શ્રોતાઓને (અને હવે વાંચકોને) ગૂંચવી માર્યા. તે બધામાં સીતાનું સત્ય અટવાઈ ગયું. ફક્ત છૂટા છવાયા પંદર-વીસ શ્લોકોમાં જ રામનો ખરો ગહન ઉદ્દેશ છુપાયો છે કે તેમને સીતાના ચરિત્ર પર સંદેહ ઉત્પન્ન થયો હતો અને તેની સજા કરવા ઇચ્છતા હતા.
નીચે બધા સંદર્ભો વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાંથી આપ્યા છે.
રામની નીતિ લોકમતને જ વશ થવાની હતી તો,
૧) પુષ્પક વિમાનમાંથી અયોધ્યા ઉતરીને પોતાના નિવાસસ્થાને જતાં પહેલા તરત સીતાની "શુદ્ધતા"ની ખાતરી જનતાને આપી હોત. નહિ તો
૨) રાજ્યાભિષેક વિધિના આરંભ પહેલા તે કર્યું હોત. નહિ તો
૩) અશોકવનિકામાં (અશોકવાટિકા નહીં) રહેવા જતા પહેલા તેમ કર્યું હોત.
રાજ્યાભિષેક પછી એક મહિના કરતાં વધારે સમય ગયા બાદ ભરતે રામના વખાણ કર્યા હતા. (વાલ્મીકિ રામાયણ ઉત્તર કાંડ સર્ગ ૪૧, શ્લોક ૧૮-૨૦). ત્યારે પણ લોકોક્તિનો સહેજ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ રામસીતા અશોકવનિકામાં રહેવા ગયા. લાંબા સમય સુધી ત્યાં રહ્યા. (૪૨, ૨૬) તે દરમ્યાન પણ લોકમત જાણવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. રામે જ સીતાજીના ગર્ભધારણના લક્ષણ જોયા હતા ( ૪૨, ૩૧). (બાળક રાવણનું તો ન્હોતું જ કારણ કે ઘણો સમય વીતી ગયો હતો.) ત્યાર પછી જ રામે તેમના સુહ્રદોને સામે ચાલીને પૂછ્યું હતું કે પુરવાસીઓ તેમના કુટુંબીજનો વિષે શું કહેતા હતા (૪૩, ૫). ભદ્ર નામના એક અનુચરને પ્રોત્સાહન પણ આપ્યું કે ભલી બુરી જે કોઈ વાત હોય તે કહી દે. એટલે તેણે સીતા વિષે લોકો ખરાબ વાતો કરતા હતા એમ જણાવીને તે કહી (૪૩, ૧૬-૨૦). મિત્રોની આવી વાતની ચકાસણી ના કરી.
તરત જ તેમણે મિત્રોને વિદાય કર્યા અને ભાઈઓને બોલાવ્યા. લક્ષ્મણને કહ્યું કે "મારો અંતરાત્મા પણ એમ જ કહે છે કે યશસ્વિની સીતા શુદ્ધ છે". (૪૫, ૧૦) પાંચ જ શ્લોક પછી અપવાદના (અપકીર્તિના) ભયથી સીતાના ત્યાગની વાત કરી. (૪૫, ૧૪-૧૫) અને લક્ષ્મણને સૂચના આપી દીધી કે બીજે દિવસે વાલ્મીકિના આશ્રમ પાસે તેમને છોડી આવે. વાલ્મીકિ ઋષિને સોંપવાના નહોતા. એટલે દૂર કે સીતા પાછા અયોધ્યા આવી ના શકે. તેનો અમલ લક્ષ્મણે કર્યો. સીતા ગર્ભવતી હોવાના સમાચાર કોઈને પણ કહ્યા નહોતા.
પત્નીના ગર્ભધારણથી પતિ વ્યાકુળ બની જવાનું કારણ જણાવવાનું ના હોય, સમજી જવાનું હોય.
ભૂલ થઇ જાય તો સુધારી લેવાય. બીજી વાર તે જ ભૂલ કરીએ તો તે પાપનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. ત્રીજી વાર તે જ ભૂલ કરીએ તો તે અપરાધનો દંડ ભોગવવો પડે. સીતાએ સુવર્ણમૃગ માટે કરેલી હઠ ભૂલ હતી. રામની સહાય માટે જવાનું લક્ષ્મણને કહ્યું તે પાપ હતું. લક્ષ્મણે ના પાડી ત્યારે તેમને ખરાબ વચનો કહ્યા તે અપરાધનો દંડ તેમણે જીવનભર ભોગવવો પડ્યો. લક્ષ્મણની સહાનુભૂતિ ગુમાવી દીધી. તેમ ના હોત તો તેણે સીતાને થોડી તો સહાય કરી હોત. રામે રાવણના વધ પછી તરત સીતાનો ત્યાગ કરવાનો અસફળ પ્રયત્ન કર્યો તે ભૂલ હતી. પછી સીતાના ગર્ભધારણને કારણે તેમનો ત્યાગ કર્યો તે પાપ હતું કારણ કે તેમાં છળ અને ક્રૂરતા હતા. ફરી અશ્વમેધ પ્રસંગે વાલ્મીકિએ ભરી સભામાં સૌના સાંભળતા જણાવ્યું હતું કે સીતા 'સર્વથા શુદ્ધ' હતા.(૮૬ ૧૬-૨૪) તેમ છતાં સીતાની શુદ્ધતાનું વધુ એક વાર પ્રમાણ માંગ્યું . (૮૭ ૨-૫) તે અપરાધના દંડમાં પાવન પત્નીને ગુમાવી બેઠા. સીતા સ્વમાની હતા. આવા વહેમી પતિ સાથે રાજ્યાસન પર બેસવા કરતાં મરણ સારું સમજીને પૃથ્વીમાતાને પ્રાર્થના કરીને ભૂમિપ્રવેશ માંગી લીધો. તેમ કરીને તેમણે રામનો ત્યાગ કર્યો. તેનો વૈધુર્યવિષાદ (રાંડ્યા પછીનું ડહાપણ) પણ રામે ઘણો કર્યો હતો. (૮૯ ૨-૧૦). ખરે જ संशयात्मा विमुञ्चति સંશયાત્મા વિમુંચતિ (ગુમાવી દે છે).
સંભવિત બળાત્કાર** થયો જ હશે એમ માની લઈને તેની શક્ય પીડિતાને 'કલંકિની' ગણવી તે પણ અધર્મ છે તે આપણા 'અત્યંત મહાન' ઋષિમુનિઓ સમજતા નહોતા. સત્ય વિના ન્યાય અશક્ય છે. ન્યાય વિનાનું સત્ય નિરર્થક છે. સત્યઆધારિત ન્યાય અનુસાર સજા કરવી પડે તો તે પણ માનવીય હોવી જોઈએ તેમ પણ તેઓ માનતા નહોતા. તેથી અગ્નિપરીક્ષા જેવી અમાનુષી પ્રથા જેમાં સ્ત્રી નિર્દોષ હોય તો પણ બળી મરે તે ચાલતી હતી.
રહી વાત એકપત્નીવ્રતની. બીજી પત્ની કરવાનો અવસર ક્યારે મળ્યો? વનવાસમાંથી પાછા ફર્યા ત્યારે તેમની વય 30 વર્ષની તો થઇ જ હોય. બધી કન્યાઓ પરણી ગઈ હોય. સીતા ત્યાગ પછી કઈ કન્યા સંમત થાય? વળી લગ્ન તો અગ્નિની સાક્ષીએ કરવા પડે. અગ્નિદેવનું તો અપમાન કર્યું, સીતાત્યાગ કરીને. તે શાના સાક્ષી આપે? તેથી સીતાની મૂર્તિ મૂકીને ચલાવવું પડ્યું.
મૂળ ગ્રંથ વાંચ્યા વિના બીજા લેખકો અને કવિઓએ કરેલા અનુવાદો વગેરેને સાચા માની લેવાની ભૂલ ના કરવી જોઈએ. તેટલુંજ નહિ પણ મૂળ પુસ્તકને પણ ધ્યાનથી વાંચીને માણસાઈને અનુરુપ વિચારધારા જ અપનાવવી જોઈએ.
કેટલાક વાંચકો માને છે કે પ્રાચીન પૂર્વજોના કૃત્યોનું મૂલ્યાંકન આજના ધોરણો અનુસાર ના કરવું જોઈએ. માની લઈએ, પણ તેમના જુના મૂલ્યો સ્વીકારવાનો ઉપદેશ શાના આપો છો? અમને અમારા નવા સુધારેલા મૂલ્યો પ્રમાણે જીવવા દો ને.
-----0-----
_______________________________________________
* દળદાર ગ્રંથને જોઈને જ ગભરાઈ જવાય કે ક્યારે વાંચી રહીશું. સદ્ભાગ્યે હવે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. અને હમણાં તો ઘરે રહીને સમય પસાર કરવા કામ લાગી શકે. અસલ પુસ્તકમાં તુલસીદાસ અને બીજા ઘણા લેખકોએ ફાલતુ વાતો ઘુસાડી દીધી છે જેવી કે ધોબીએ કરેલો આક્ષેપ. આ બધી મૂળ વાલ્મીકિ રામાયણમાં નથી. તેથી મૂળ પુસ્તક વાંચવું જોઈએ.
** તે જો કોઈ બીજી નારી પર બળાત્કાર કરે તો તેના મસ્તકના સો ટુકડા થઇ જાય તેવો શાપ રાવણને બ્રહ્માજીએ આપેલો હતો (યુદ્ધ કાંડ સર્ગ ૧૩ , શ્લોક ૧૪). તેથી તેણે સીતા પર બળાત્કાર નહોતો કર્યો .