રામ અને શ્રીકૃષ્ણની સરખામણી
ગાંધીજી વિષેનું પુસ્તક વાંચતો હતો. તેમાં એક પ્રકરણમાં લેખકે ગાંધીજીને કૃષ્ણ કરતા રામ વધારે ગમવાના કારણો વિગતવાર જણાવ્યા છે. તેના પરથી આ લખવાનો વિચાર આવ્યો છે.
રામનો જન્મ તેમ જ ઉછેર રાજકુમાર તરીકે થયા હતા. કૃષ્ણ રાજકુટુંબમાં જન્મ્યા હતા ખરા પણ ઉતરતી જાતિના ગરીબ કુટુંબમાં ઉછર્યા હતા.
રામનો અભ્યાસ સવેળા ચાલુ થયો હતો. કૃષ્ણનો અભ્યાસ કંસને માર્યા પછી શરૂ થયો હતો.
રામને શસ્ત્ર વિદ્યા વિશ્વામિત્રે શીખવી હતી. કૃષ્ણ જાતે શીખી ગયા હતા.
રામે પરંપરાનો ઉપયોગ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જ કર્યો હતો. કૃષ્ણે પરંપરાના ભંગ ઘણી વાર કરેલા પરંતુ નિઃસ્વાર્થ ભાવે, બીજાના કે સમાજના લાભાર્થે જ, તે કર્યા હતા.
રામે દલિતોની સહાય માટે કશું જ નહોતું કર્યું બલ્કે શંબૂક ને એટલા માટે મારેલો કે તે શુદ્ર હોવા છતાં તપ કરતો હતો. કૃષ્ણે બધા પ્રજાજનોના હિત સાચવ્યા હતા.
રામનો જન્મ લોકોના હિત ખાતર રાવણને મારવા માટે થયો હતો. તે કામ સવેળા કરવાને બદલે ઘણે મોડેથી સીતાનું અપહરણ થયા પછી, પોતાની અપકીર્તિ ન થાય તેટલા માટે જ, કર્યું હતું. કૃષ્ણે પહેલી તકે પોતાનું કામ કરી લીધું હતું.
રાવણને મારવા માટે રામે સુગ્રીવ, વિભીષણ, હનુમાન ઇત્યાદિ ઘણાની મદદ લીધી હતી. કૃષ્ણે કંસને અને તેના મલ્લોને એકલે હાથે માર્યા હતા.
રામે ધર્મ કે તત્વજ્ઞાન અંગે બહુ ઓછું કહ્યું હતું, કૃષ્ણે ગીતાનું જ્ઞાન આપ્યું.
રામને એક જ પત્ની હતી તેને પણ તેમણે સારી રીતે રાખી નહોતી. કૃષ્ણને આઠ પટરાણીઓ હતી તે બધીને સારી રીતે જાળવી હતી.
રામે સીતાજીને અપમાન અને અન્યાય આપ્યા. કૃષ્ણે તો રુક્મિણી માટે ઇન્દ્રને હરાવીને પારિજાતકનો છોડ લાવી આપ્યો હતો.
રામે જાતે જળસમાધિ લીધી હતી, કૃષ્ણ પારધીનું બાણ વાગવાથી મરણ પામ્યા હતા.