આપણું વ્યસન
"મેરા ભારત મહાન" થી આગળ વધીને "મેરા પ્રાચીન ભારત અત્યંત મહાન થા" એમ માનવા મનાવવાનું આપણને વ્યસન પડી ગયું છે.
થોડા નમૂના જોઈએ.
કોવીડ રક્ષા કવચ:
કોવિડ19 ના આરંભમાં મારા વોટ્સએપ્પ પર નીચેની ચેટ આવી હતી.
Unbelievable but true...
In Shiva Purana 1500 years ago a Corona Raksha Kavacha Om Manthram was written in Devanagari script. It was found recently by few Vedic Scholars. The audio of this Mantra has been released to play at home regularly.
આ તાજો નમૂનો છે. જુના સ્તોત્રોમાં દેવ કે દેવીનું નામ બદલીને, થોડા વિશેષણો આઘા પાછા કરીને નવું સ્તોત્ર બનાવવાનું અઘરું નથી. લીખતા તો દીવાના, પઢનેવાલા ભી દીવાના લેકિન ફોરવર્ડ કરનેવાલે કૈસે?
ઓગણીસમી સદીના છેલ્લા અને વીસમી સદીના પહેલા ચરણ દરમ્યાન આપણા લોકોમાં ઉદાસી અને લઘુતાગ્રંથિ થયા પેદા હતા. ખાસ કરીને યુરોપિયનો આપણને ઉતારી પડતા હતા. તેના પ્રતિકાર માટે "મેરા ભારત મહાન" જેવું સૂત્ર ઉપયોગી અને જરૂરી હતું. પણ તેને વળગી રહીને તેનો વ્યાપ વધારવાથી ખાસ કશો લાભ થાય તેમ નથી. ઉલ્ટાનું અહિત થવાની શક્યતા વધારે છે કારણ કે તેનાથી અસાવધાની (complacency) આવી જાય.
આપણું પ્રાચીન ભારત અત્યંત મહાન હતું તો તે મહાનતા આપણે કેમ ગુમાવી બેઠા તે વિચારવું જોઈએ. વારસો સાચવવાની તાલીમ જૂની પેઢીએ નવી પેઢીને આપવી જોઈતી હતી તે નહોતી અપાઈ. सा विद्या या विमुक्तये નો અર્થ એવો કર્યો કે વિદ્યા તો તે કે જે મુક્તિ (મોક્ષ) અપાવે. બીજી બધી વિદ્યાઓની અવહેલના કરી. બધા પોતપોતાની એકલાની મોક્ષસાધના કરતા રહ્યા. બ્રાહ્મણ પુરુષો સિવાયના વિશાળ જનસમુદાયની બુદ્ધિ શક્તિને વાપરવાની મનાઈ કરીને વેડફી નાંખી. આસ્તિકતાના આફરાને લીધે બધી સમશ્યાઓના આધ્યાત્મિક ઉપાય કરતા કે શોધતા રહ્યા. હજુ પણ આપણે પરદેશીઓનો દોષ કાઢીએ છીએ પણ આત્મપરીક્ષણ કરતા નથી.
રામસેતુ:
આ બીજો નમૂનો છે. આપણે બણગાં ફૂંક્યા કરીએ છીએ કે ભગવાન રામની વાનરસેનાએ ભારત અને લંકા વચ્ચે પુલ બાંધ્યો હતો તે સાબિત કરે છે કે આપણા તે સમયના પૂર્વજો ઉત્તમ એન્જીનીયરો હતા.
આમાં 'સેતુ' શબ્દનો સાચો અર્થ ના જાણવાથી આ દાવો ઉત્પન્ન થયો છે. જૂની અને જાણીતી પ્રો. વામન શિવરામ આપ્ટે રચિત સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોશ (dictionary) માં સેતુ શબ્દનો અર્થ છે. તેને ધ્યાનથી વાંચતા જોઈ શકાય છે કે તે શબ્દનો પહેલો (મુખ્ય) અર્થ થાય છે A ridge of earth, mound, bank, causeway, dam. છઠ્ઠો અર્થ છે A barrier, limitation, obstruction of any kind. Bridge અર્થ બીજા સ્થાને છે. રામાયણમાં જે સેતુનું વિગતવાર વર્ણન છે તે પહેલા અર્થના પાળાનું છે, bridge નું નથી.
વાલ્મીકિ રામાયણના યુદ્ધ કાંડના રર મા સર્ગમાં રામસેતુની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેનું વિગતવાર વર્ણન છે. (One 'yojan' equals about 14 KM. The setu was therefore 1400 KM long and 14 KM wide, all built in just five days.) ખોલીને વાંચી જોશો તો પ્રતીતિ થશે કે રામસેતુ કોઈ પુલ નહોતો. વાનરોએ વૃક્ષો, પથ્થરો વગેરે નાખીને બનાવેલો આ તો કેવળ એક પાળો હતો. પથ્થરો પણ ડૂબેલા હતા, રામનું નામ લખવાથી તરે તેવા નહોતા. પુલ (bridge) નીચેથી નૌકાઓ અવરજવર કરી શકે, જળચરો એક બાજુથી સામેની બાજુ જઈ શકે. તેવી રચના રામસેતુની નહોતી.
રામસેતુ બનાવતા આવડ્યું તો હિમાલયમાં ઋષિકેશ પાસે લક્ષ્મણ સેતુ કેમ નહોતો બાંધ્યો?
માટે બણગા ફૂંકવાનું બંધ કરીએ તો સારું.
મસ્તક પ્રત્યારોપણ:
આ સોથી ખરાબ નમૂનો છે.
શિવજીએ બાળકનું શિર કાપી નાંખીને તેના ધડ પર હાથીનું માથું ગોઠવ્યું તેને આપણે આપણા પૂર્વજોના સાયન્સની મહાન સિધ્ધિ તરીકે રજુ કરીને ગૌરવ લઈએ છીએ. પરંતુ એ વિચારતા નથી કે આવું પ્રત્યારોપણ કરવાની જરુર કેમ પડી.
કાલિદાસે જેમને स्थावरजङ्ग्मानां सर्गस्थितिप्रत्यवहार हेतु: (જડ અને ચેતન બધાની ઉત્પત્તિ, હયાતી અને વિનાશના નિયામક) કહીને વખાણ્યાં છે તે ત્રિકાળજ્ઞાની શિવજીને જાણ ના હોય કે પાર્વતીએ બાળક ઉત્પન્ન કર્યું હતું તે શક્ય છે?
જરા વિચારો. કોઈને ત્યાં જઈએ ને તેમના ઓટલા પર બાળક રમતું હોય તો તેની સાથે કેવી રીતે વર્તન કરીએ?. આપણા 'મહા' દેવનું બાળપણ હતું જ નહી તેથી તેમને તે આવડતું નહોતું. નહીં તો સમજાવી પટાવીને બારણું ખોલાવી શક્યા હોત.
ખેર, તેઓ બાળકને વશ ના કરી શક્યા? કે પછી સ્નાન કરતી પત્નીને મળવાની અધીરાઈને વશ થઈ ગયા? વળી તેનું માથું કાપ્યું તો ખરું પણ તે ખોઈ નાખ્યું. કેટલી નિષ્કાળજી!
આ પ્રસંગમાં સહન કોને કરવું પડ્યું? પેલા હાથીના બચ્ચાના ધડને અને તેની માતાને, વગર વાંકે જ ને? આપણે બણગા ફૂંકી શકીએ તે માટે?